ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા અડાલજ ગામની શિવપુરી વસ્તીમાં વિનામૂલ્યે ‘પાઠદાન’ કેન્દ્રનો શુભારંભ
ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા અડાલજ ગામની શિવપુરી વસ્તીમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તેમજ શિક્ષણની સાથે ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા પવિત્ર ઉદ્દેશ્યથી નવા ‘પાઠદાન’ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.
સમિતિ દ્વારા સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં વર્ષોથી સતત અને અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. તે જ સેવાયજ્ઞના એક મહત્વપૂર્ણ આયામ તરીકે બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખી આ નવા પાઠદાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિના ટ્રસ્ટીશ્રીઓ, અડાલજ ગામના સેવાભાવી આગેવાનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાંત સેવા ટોળીના સદસ્ય શ્રી અશ્વિનભાઈ કઢેચા તથા અન્ય સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ અંદાજે ૩૦ જેટલા બાળકો તેમજ વિવિધ સમાજના ૧૫ જેટલા નાગરિકો સહિત કુલ આશરે ૪૫ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાઠદાન કેન્દ્રના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે શિક્ષણની સાથે સંસ્કારનું ઘડતર જ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો છે. આ પાઠદાન કેન્દ્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાસભર શિક્ષણ, સારા સંસ્કારો અને વ્યક્તિત્વ વિકાસની તક ઉપલબ્ધ થશે, જે સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

