નવા કોબા ગામ ખાતે વિનામૂલ્યે ‘પાઠદાન’ કેન્દ્રનો શુભારંભ

ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા નવા કોબા ગામ ખાતે જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તેમજ શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી નવા ‘પાઠદાન’ કેન્દ્રનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

સમિતિ દ્વારા સમાજસેવાના વિવિધ આયામોમાં વર્ષોથી સતત અને અવિરત સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. તે જ સેવાયજ્ઞના એક મહત્વપૂર્ણ ભાગરૂપે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતાં આ નવા પાઠદાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.

કાર્યક્રમમાં ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિના ટ્રસ્ટીશ્રીઓ, નવા કોબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના સેવાભાવી આગેવાનો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગાંધીનગર શહેર વિસ્તારના કાર્યવાહશ્રીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અંદાજે ૩૦ જેટલા જરૂરિયાતમંદ બાળકો તેમજ વિવિધ સમાજના ૧૫ જેટલા નાગરિકો સહિત કુલ આશરે ૪૫ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પાઠદાન કેન્દ્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાસભર શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસની તક ઉપલબ્ધ થશે, જે સમાજ નિર્માણના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.