ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિના ઉપક્રમે ગાંધીનગર ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી:સામૂહિક યોગાભ્યાસ અને ટ્રસ્ટની નવીન વેબસાઈટનું અનાવરણ
ગાંધીનગર: ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, સેક્ટર -૨૩, ગાંધીનગર દ્વારા ૨૧મી જૂન, રવિવારના રોજ સવારે ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે એક વિશેષ સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના પૂજ્ય મુનીશ્રી સુરેશપ્રભુજી તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના અધિક સચિવ શ્રી આર. એચ. વસાવાના હસ્તે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોબા સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના પૂજ્ય મુનીશ્રી સુરેશપ્રભુજીએ નિત્ય યોગનું જીવનમાં મહત્વ વિષય પર પોતાના વિચારો રજૂ કરીને સૌને દિવ્ય આશીર્વચન આપ્યા હતા.
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. હર્ષદ ગોરીયાએ જણાવ્યું છે કે, ડિજિટલ માધ્યમથી નાગરિકો સુધી ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વધુ અસરકારક રીતે પહોંચવા માટે આ વર્ષે ટ્રસ્ટની નવી વેબસાઈટનું પણ વિધિવત અનાવરણ કરવામાં આવ્યું છે. ભારતીય યોગ શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ પતંજલિના જ્ઞાનને વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છે. આસન અને પ્રાણાયામ દ્વારા મનુષ્ય ઉત્સાહિત બની, ચૈતન્યયુક્ત દીર્ઘજીવન પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક યોગ ઉત્સવનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના અધિક સચિવ શ્રી આર. એચ. વસાવા તેમજ યોગ પ્રેમી નાગરિક ભાઇ -બહેનો ઉપસ્થિત રહીને યોગ અભ્યાસમાં સહભાગી થયા હતા.











